“તારે જીવનમાં શું જોઇએ છે..?” આ સવાલ અને આપણા આજુંબાજુંના સંબંધો વચ્ચે બહુજ ઘનિષ્ટ સંબંધ છે. કોઇપણ વ્યક્તિને જ્યારે આ સવાલ પુછવામાં આવે ત્યારે તેની પાસેથી જવાબ જરૂર મળશે પણ એ જવાબ સમયાંતરે બદલાતો રહેશે.! એટલે કે સવાલ એ જ રહેશે અને જવાબમાં દરેક સમયના અંતરે કોઇક ફરક હશે..!

તો આ ફરક કે બદલાવનું કારણ શું..? આ પ્રશ્નનો એક સિધો જવાબ એ આપી શકાય કે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાતો સમયાંતરે બદલાતી હોય છે..! હવે જો તેની જરૂરીયાત જ બદલાઇ ગઈ તો તે પ્રમાણે તેને તે જે પહેલા જોઇતું હતું તે હવે નથી જોઇતું અને હવે કંઇક નવું જોઇએ છે..!

એક સમયે એવું લાગે કે સ્કુલ અને હોસ્ટેલના મિત્રો વગર જીવન વિતાવવું અસંભવ છે પણ સ્કુલ-કોલેજ પુરી થયા પછી જ્યારે જીવનના નવા પડાવમાં માણસ પહોચે ત્યારે તે આજુંબાજુંની નવી દુનીયામાં ખોવાઇ જાય છે..! ઘણી વખત એ સાંભળવા પણ મળે કે તું બદલાઇ ગયો છે કે બદલાઇ ગઈ છે અને જવાબમાં આપણે ના જ પાડીએ કે હું એનો એ જ છું પણ પરિસ્થિતી બદલાઇ ગઈ છે.

સૌથી વિકટ પરિસ્થિતી ત્યારે થાય જ્યારે માણસ નવરો હોય અને પ્રેમ થાય, કલાકો ના કલાકો હોય તેની પાસે તેની પ્રેમિકા કે પ્રેમીને આપવા માટે પણ એ યુગલ લગ્ન બાદ એકબીજા માટે સમય કાઢવા મથતું હોય છે કારણ કે લગ્ન બાદ પુરુષ પર ઘર ચલાવવાની અને સ્ત્રી પર ઘર અને છોકરા સંભાળવાની જવાબદારી આવી જાય છે, ઘણી વખત સ્ત્રી નોકરી અને ઘર બંન્ને સાથે સંભાળતી હોય ત્યારે પરિસ્થિતી વધારે વિકટ બને છે..! અહીં બંન્નેની પ્રાથમિકતા બદલાઇ ગઈ હોય છે, અત્યારે તેમની પ્રાથમિકતા પહેલી તેમની ફરજ બને છે અને પછી તેમનો પ્રેમ..!!

જ્યારે સમય બદલાય રહ્યો હોય, તેના પર બંન્ને ત્યારે ધ્યાન નથી આપતા હોતા અને જ્યારે વાત ધ્યાન પર આવે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે..! ખાસ કરીને પ્રેમ લગ્નમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. કારણ કે એમાં વિશ્વાસ અને વચન જોડાયેલા હોય છે. નાદાનિયતમાં આપેલા વચન સમજણા થયાં પછી નિભાવવા પડે છે..! “પ્રેમ એ સમયે થયો હોય છે જ્યારે દુનીયાદારીની સમજ નથી હોતી અને નિભાવવો ત્યારે પડે છે જ્યારે જવાબદારીઓ માથે હોય છે..!”

યુવાનો અભ્યાસકાળ દરમિયાન પ્રેમને પ્રાથમિકતા આપતા હોય છે, સ્વપ્નાઓમાં મહાલ્તા હોય છે, વાસ્તવિક દુનિયાથી દુર પોતાની દુનિયા બનાવતા હોય છે..! એકબીજાને જન્મો સુધી સાથ આપવાનું વચન આપતા હોય છે પણ વાત જ્યારે વડિલો સુધી પહોચે છે, ત્યારે બંન્નેનો હકિકતથી સામનો થાય છે, ઘણાને ઘરમાંથી કાઢી મુકવાની ઘમકી મળે છે, તો ઘણા પર માનસિક અત્યાચાર કરવામાં આવે છે..! તો ઘણાને તેમના પાત્ર કરતા બીજા સારા વિકલ્પોની લાલચ મળે છે..! અને કોઇકને આવનાર ભવિષ્યના ડરામણા સ્વપ્ના દેખાડી ડરાવવા આવે છે..!

હવે બંન્નેની પ્રાથમિકતા બદલાય છે, કોઇ પોતાના મા-બાપની લાગણીને પ્રાથમિકતા આપે છે તો કોઇ પોતાના સારા ભવિષ્યને (સારો વિકલ્પ પસંદ કરીને), તો કોઇ માત્ર મુંઝવણ અનુભવે છે અને લાચારીને પ્રાથમિકતા આપે છે, તો કોઇ છેક સુધી જજુમે છે, તેની પ્રાથમિકતા એ જ રહે છે એટલે કે તેનો પ્રેમ…!!

જે લોકોની પ્રાથમિકતા બદલાઇ ગઈ હોય છે તેમનો મોર્ડન પ્રેમ બ્રેકઅપમાં પરિણમે છે અને બિજા પરાણે કે પ્રેમથી લગ્ન કરી જીવનનો નવા તબક્કામાં પગ મુકે છે..! લગ્ન બાદ પણ પરિસ્થિતી એટલી સહજ નથી હોતી..! નવિ જવાબદારીઓ વચ્ચે બંન્ને એકબીજાને સમય આપવાની પ્રાથમિકતા બિજા કે ત્રીજા ક્રમાંકે જતી રહે છે..! એટલે પ્રાથમિકતા બદલાય છે..! હવે એકબીજાને અપાતો ઓછો સમય બંન્નેના મનને ધિમે ધિમે એકબીજાથી અલગ કરવા લાગે છે..! ઘણી વખત આનાથી ઉલટું બને છે કે બંન્ને એકબીજાને આપવો પડતો વધારે સમય એકબીજાને એકબીજાથી જ ગુંગળાવી નાખે છે..!

અહીં જો એકબીજાને ઓછો સમય મળે તો એવી ફરીયાદ થશે કે એક પાત્ર બિજા પાત્રને હવે પ્રેમ નથી કરતું અને જો વધારે સમય આપવો પડતો હોય તો એવી ફરીયાદ થશે કે વાતાવરણ જેલ જેવું લાગે છે..! કારણ કે હવે લગ્ન થઈ ગયાં છે, મંઝીલ મળી ચુકી છે હવે નવિ મંઝીલ તરફ જવાનો સમય આવી ગયો છે પણ કદાચ તેમનો અત્યારનો પડાવ(પાત્ર કે તેમનો સાથી) તેમને આગળ જતાં રોકે છે અને એના કારણે એ પોતે ગુંગળાય છે..!

વાત અહિં સમજની છે, લગ્ન એટલે એકબીજાને એકબીજા પર થોપાવું એવું તો નથી..! માણસ સામાજીક પ્રાણી છે અને તે એકલો નથી રહી શકતો એટલા માટે લગ્ન તેનો પહેલો ધ્યેય કે પ્રાથમિકતા હોય છે..! પણ આજની પેઢી લગ્નના ગુઢ અર્થને ના સમજતા એવું જ માને છે કે એકબીજને સમય આપવો, બિજી બધી વસ્તુ કરતાં પ્રેમને પ્રાથમિકતા આપવી, મહિનામાં એક-બે વાર બહાર જમવા જવું, વર્ષે બહાર એક વખત ફરવા જવું, એટલે લગ્ન બાદ પણ તમારી પ્રાથમિકતા તમારો સાથીને અપાતો સમય જ હોવો જોઇએ..!

પણ, જો બંન્ને એકબીજામાં ઓતપ્રોત રહેશે તો પોતાના માટે ક્યારે સમય કાઢે..? અને પોતાના ભવિષ્ય માટે મહેનત કરવામાં ઘણી વખત પોતાના સાથીને ભુલી જવું એ પણ યોગ્ય નથી..! જેમકે સ્ત્રી જો કોઇ રૂઢીચુસ્ત ઘરમાં પરણી હશે તો, તેને પોતાના પતિના સમયની સૌથી વધું જરૂરીયાત રહેતી હોય છે. તેને ઘરનું વાતાવરણ ગુંગળાવતું હોય છે પણ પતિ સમય ના આપવા એ બહાનું કાઢશે કે આપણા ભવિષ્ય માટે મહેનત કરૂ છું એટલે સમય નથી આપી શકતો. અહિં પ્રશ્ન બંન્નેની પ્રાથમિકતાનો છે..! એકને ગુંગળામણ ભર્યા વાતાવરણમાં એક રાહતનો શ્વાસ લેવો છે, તો બિજા સારા ભવિષ્ય માટે કરવી હોય છે..! તેને સામેના પાત્રની ફરીયાદો ગૌણ લાગે છે, તેને અવગણે છે પણ સમય જતાં એ જ પરિસ્થિતી વિકરાળ રૂપ લઈ લેતી હોય છે..!

તો આનું સમાધાન શું..? જો વ્યક્તિ માત્ર સામેવાળા પાત્રનું મન રાખવા જ સમય કાઢશે તો પોતે સમય જતાં કંટાળી જશે નહી કાઢે તો સામેવાળું પાત્ર કંટાળી જશે..! આ પરિસ્થિતી કોઇપણ લગ્નજીવનમાં સામાન્ય છે..! વડિલોએ મળીને જે પરંપરાગત રિતે લગ્ન કરાવેલા હશે તેમાં કદાચ પાત્રો મા-બાપ પર આરોપ નાખશે કે તમે ખોટું પાત્ર શોધી આપ્યું છે પણ જો પ્રેમ લગ્ન હશે તો કોના પર દોષ નાખશું..? અહિં પ્રાથમિકતા પોતાની વાત સાચી કરવાની રહેશે..! જેમાં પ્રેમનું અને સમજણનું લક્ષણ ન્યુનતમ હશે..! સમય જતાં પરિસ્થિતી વધારે બગડશે..!

સમય એ અવગણવા જેવી વસ્તું નથી અને લગ્ન કે પ્રેમમાં તો નહી જ..! પણ ફરી પ્રશ્ન અહીં પ્રાથમિકતાનો જ આવે છે. મારા ધ્યાનમાં બહું ઓછા ઉદાહરણો હશે જે લગ્ન જીવન સુખી અને પોતાની કારક્રિદીમાં આગળ હોય..! એ લોકો આ પ્રાથમિકાતા અને સમયના મેળને સમજી ગયાં હોય છે..! તે પોતાની કામ સાથે પોતાના સાથીને પણ સમય આપી શકતા હોય છે એટલે એ એહસાસ કરાવી શકતા હોય છે કે હજી તારું મહત્વ મારાં જીવનમાં ઓછું નથી થયું. પણ આ કરવું એ બહું અઘરું છે.! જીવનમાં બે પ્રાથમિકતા સાથે એકસાથે જીવવું અને તેને પામી પણ લેવી તે સહેલું નથી..!

નિર્ણય હંમેશા સાચા જ લેવાયા હોય એવું જરૂરી નથી, નાદાનિયતમાં અપાયેલા વચનોને પરાણે જીંદગીભર વળગી રહેવું એ પણ ગાંડપણ છે..! પરિસ્થિતી સાથે સમાધાન કરી જીંદગીને હોમી દેવી તે પણ વ્યાજબી નથી.! છતાં આપણા સમાજના રિવાજો અને સંસ્કારોને કારણે લોકો ના છુટકે પોતાની પ્રાથમિકતામાં ફેરેફાર કરી પરાણે પ્રેમ કરવાનો ડોળ આખી જીંદગી કરતા હોય છે..! સુખી લગ્ન જીંવનનો દંભ જીવનના અંત સુધી કરતા હોય છે..! પ્રેમ એ એહસાસ છે અને જો સમય સાથે તેનું મહત્વ ઘટે તો તે કદાચ આકર્ષણ જ હોય છે..! ઘણી વખત પ્રેમ માટે ઘણા લોકો પોતાની જીંદગી પોતાના સાથી માટે ઘસી નાખતા હોય છે અને હરફ પણ ઉચ્ચારતા નથી પણ અહિં એ પ્રેમની વાત છે જે એક પ્રકારનો વ્યવહારછે..! એટલે તમે મને પ્રેમ કરશો તો જ હું તમને કરીશ..! અને આવા પ્રેમમાં આ પ્રાથમિકતાનો નિયમ પોતાનો ભાગ ભજવે છે..!