“પપ્પા, આ આપણે કંઇ જગ્યાએ આવ્યા..!!” એક છયેક વર્ષની છોકરી, તેના પિતાનો હાથ પકડતા પુછી રહી. તેના પિતા સામે દેખાતા મંદિર તરફ અહોભાવથી જોઇ રહ્યા હતાં. પિતાને વિચારોમાં ખોવાયેલા જોઇ, એ નાની છોકરીએ ફરી એ જ સવાલ કર્યો.
“પપ્પા, બોલોને આપણે ક્યાં આવ્યા છીએ..?” નાની છોકરીના આ બીજા પ્રયત્ને પિતાને વર્તમાનમાં લાવી દિધા. પિતાએ પ્રેમથી તેની પુત્રી સામે જોયું.
“આ એ જગ્યા છે, જે જીવનનું ગુઢ સત્ય પ્રગટ કરે છે, કે તમે ગમે તેટલા મહાન હો, ગમે તેટલા શક્તિશાળી હો, ભલે ભગવાનના કોઇ અવતાર હો, પણ તમારે આ માનવદેહની મર્યાદાને વશ થવું પડશે..! તમારે કર્મના સિંધ્ધાતને અનુસરવું પડશે..! તમે કોઇ પણ ભોગે એ ચક્રમાંથી છટકી નહી શકો..! તમે કદી અપવાદ ના બની શકો..!” બોલતા બોલતા પિતા ક્યારે વિચારોમાં ખોવાઇ ગયા તેનો તેને ખ્યાલ ના રહ્યો. પેલી છોકરીને આ જવાબ સમયાજો નહી. તેના ચહેરા પર ગુંચવણ સ્પષ્ટ દેખાતી હતી.
“પપ્પા, કંઇક સમજાય એવું કહોને..!” છોકરીએ આજીજી કરતા પિતાનો હાથ ફરીથી ખેંચ્યો. પિતા ફરીથી વિચારોના વમળોમાંથી બહાર આવ્યા. તેણે પોતાની દિકરીને ઉંચકીને તેડી લીધી. પણ પછી અહેસાસ થયો કે સુમન હવે એટલી નાની નહોતી કે તેને તેડીને ફરી શકે એટલે આજુંબાજું નજર ફેરવી. ત્યાં નજીકમાં એક વડલો હતો. તે સુમનને તેડી વડલા નીચે બનાવેલા ઓટલા પર બેઠા અને સુમનને પોતાના ખોળામાં બેસાડી.

જવાબ સાંભળવાની આતુરતામાં સુમન પોતાના પિતા સામે જોવા લાગી.
“તને ક્રિષ્ન ભગવાન વિષે કંઇ ખબર છે..?” પિતાએ સુમન તરફ જોતા પુછ્યું.
“હા..! તેમની સિરિયલ આવે છે ને ટીવી પર..! તે નાના હતાં ત્યારે બહું તોફાન કરતા..! પછી કેવા યોધ્ધા બની ગયા..!” સુમનની સામે અત્યારે જાણે સિરીયલના પાત્રો ભજવાઇ રહ્યા હોય તેમ બોલવા લાગી. તેના પિતાને સુમનની ઉંમરનો ખ્યાલ આવ્યો કે તરત તેને ખ્યાલ આવ્યો કે પોતાની ગુઢ વાત તે સુમનને કેવી રિતે સમજાવી શકશે..?

“પણ એમનું શું છે..? હું તમને આ જગ્યા વિષે પુંછું છું..?” પિતાની વિચારમાળાને તોડતી સુમન બોલી.
“હંમ, હું એના વિષે જ વાત કરું છું, પણ પહેલા ભગવાન ક્રિષ્ન વિષે જાણવું જરૂરી છે..! તેમણે અહી અંતિમ શ્વાસ લીધા હતાં…!” પિતાએ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.
“પણ, એ તો ભગવાન હતાં ને તો મરી કેવી રિતે શકે..?”
“તે માનવ અવતારમાં હતાં ને અને જે જન્મે તેને મરવું તો પડે..!”
“તો તેમને કોણે માર્યા..?” સુમનને આ વાત પચાવવી અઘરી લાગતી હતી.
“એક જારા નામના પારધીએ..! એને એમ લાગ્યું કે કોઇ હરણ છે અને ઝાડ પાછળથી તેણે બાણ છોડ્યું જેનાથી ભગવાન ક્રિષ્નનો પગ વિંધાઇ ગયો..! અને ભગવાને આ માનવ દેહનો ત્યાગ કર્યો..!” સુમનના પિતાને લાગ્યું કે હવે તે ધિમે ધિમે પોતાની વાત તેની દિકરીને સમજાવી શકશે..! સુમનના ખુબજ સમજણભર્યા પ્રશ્નો પોતાનું કામ આસાન કરી દેશે..!

“પણ પપ્પા, પગ વિંધાવાથી કોઇ મરી થોડું જાય..? અને તેમને કોઇ કેમ દવાખાને લઈ ના ગયું..?” સુમનનો પ્રશ્ન સાંભળી, તેના પિતા ખુશ થઈ ગયાં.
“સામાન્ય રિતે તો તારી વાત સાચી છે કે પગમાં વાગવાથી કોઇ મરી કેવી રિતે શકે..? અને તેમને દવાખાને લઈ જવાયા હોત તો કદાચ બચી પણ જાત..! પણ તેમને ના લઈ જવાયા..! તો અહી વાત એમ હતી કે ક્રિષ્નને પોતાને જ મરી જવું હતું..! એટલે તેમણે બચવાનો કોઇ પ્રયત્ન ના કર્યો.” પિતાનો જવાબ સાંભળી સુમન વિચારમાં પડી.
“પણ પપ્પા, એમને કેમ મરી જવું હતું..? તેમને કોઇ પ્રેમ નહોતું કરતું..? કે પછી કોઇ સાથે મોટો ઝઘડો થયો હતો..?” સુમનના નિર્દોષ સવાલો તેના પિતાને મજા કરાવી રહ્યા હતાં.
“ના.! તેમને તેમના પાપોનું પ્રાયસ્ચિત કરવું હતું..!” તેના પિતાએ ટુંકો જવાબ આપ્યો. તે સુમનના સામા પ્રશ્રની રાહ જોવા લાગ્યાં.
“પણ ભગવાન કદી પાપ કરી શકે ખરા..? તેમણે માણખ ચોર્યુ હતું એટલે દુખી હતાં..?” સુમનનો પ્રશ્ન સાંભળી તેના પિતા ખડખડાટ હસવા લાગ્યાં.
“ના દિકરા એવું નથી..! ભગવાન પાપ ના કરે પણ ક્યારેક ઘર્મને સાચવવા એવા રસ્તા જરૂર લે, જે એમને માટે યોગ્ય ના હોય..! અને પછી જ્યારે ધર્મનો વિજય થાય એટલે તે પોતે જે આવા કામો કરેલા હોય તેનું પ્રાયસ્ચિત કરે..!”
“પણ ક્રિષ્ન ભગવાને શું પાપ કર્યા હતાં..?” સુમનને જાણવાની તાલાવેલી લાગી.
“હું તેને પાપ તો ના કહું પણ હાં, મારા મતે તેમણે અમુક સમયે એવું કંઇક જરૂર કરેલું હતું જે માત્ર માનવ સ્વભાવને શોભતું હતું…!” પિતાના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું.
“એમણે શું કરેલું હતું..?” સુમને તેના પિતાના ચહેરાને પોતાના નાના હાથોથી પકડીને પોતાના તરફ કરતા પુછી રહી..!
“તે કરોડો માણસોના સંહારનું કારણ બન્યા હતાં, જે મહાન વિનાશ એ ટાળી શકતા હતાં, તેને તેમણે હવા આપી હતી. અસંખ્ય બાળકોને તેમણે અનાથ કર્યા હતાં. તેમને યદુંવંશી સેનાની ઇચ્છા જાણ્યા વગર તેમને કૌરવો તરફથી લડવા ફરજ પાડી હતી..! પોતાના જ કુળના નાશનું માધ્યમ બન્યા હતાં..! તે પ્રુથ્વી પર રહ્યા ત્યાં સુધી તેમણે પોતાની કુટનીતીનો ઉપયોગ કરી અધર્મીઓને છેતર્યા હતાં..! રાધાજીને આખી જીંદગીનું દુખ આપી તે બસ રાજકારણમાં રચ્યા પચ્યા રહ્યાં..! તેમનામાં દયા ન હતી..! ક્રુર હતાં..!” પિતાના ચહેરા પર તરી આવેલો રોષ જોઇ સુમન ડરી ગઈ.
“પપ્પા, ભગવાન એટલા ખરાબ હતાં, તો તે ભગવાન કેમ હતા..?” સુમન વચ્ચે જ બોલી. પોતાની વાતની લય તુટતા, સુમનના પિતાને ખ્યાલ આવ્યો કે તે સુમનને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

“જો બેટા, કોઇપણ વસ્તું જોવાની બે રિત હોય..! એમ ક્રિષ્નના આ સ્વભાવ કે વર્તનને સમજવા પણ આપણે બે રિતે જોવું પડે..!”
“અને એ કેવી રિતે જોઇ શકાય..?” સુમને નિર્દોષ ભાવે પુછી લીધું.
“જો.. ભગવાન ઇચ્છત તો બધું ચપટી વગાડતા કરી શકત, પણ તો આપણે એમની પાસેથી શું શિખત કે ચમત્કાર હોય તો જ બધા કામ પાર પડે..? આપણે મહેનત જ નહી કરવાની..? આપણામાં આળસ વ્રુતી ના જાગે એટલે ભગવાન પોતે માનવ બનીને ધરતી પર આવ્યાં, હવે એ ભગવાન ન હતાં, એક માનવ હતાં..! જેમને તડકો લાગતો..! ભુખ લાગતી..! મિત્રતા થતી..! પક્ષપાત હતો..! પ્રેમ થતો..! દુખ થતું..! આ બધી માનવ નબળાઇ તેમનામાં હતી..! તેમના જન્મતા પહેલા તેમની સાથે અન્યાય ચાલું થઈ ગયેલો..! તેમના મા-બાપને કારાવાસમાં રાખવામાં આવેલા, તેમના ભાઇઓને મારી નાખવામાં આવેલા..! મા-બાપથી અલગ રહેવું પડેલું..! તેમના પ્રેમ અને ગામને છોડી, સમાજ અને દેશ માટે મથુરા વસવું પડ્યું..! લાખોના જીવ બચાવવા રણછોડનું બિરુદ પણ તેમણે સ્વિકાર્યું..! છેલ્લે ગાંધારીના શ્રાપને માન આપી પોતાના કુંટુંબના નિકંદન કાઢવામાં પણ માધ્યમ રૂપ બનેલા..”

“પપ્પા, તમારી વાત સમજાતી નથી..! તમે થોડી વાર એમને દાનવ ચિતરી દો છો.! તો થોડી વારમાં તેમને ભગવાન..! અને તેમને કોણે શ્રાપ આપેલો..?” સુમન ગુંચવાઇ ગઈ હતી. તેના પિતાને તેની વ્હલી દિકરીને ગાલે એક ચુંબન ચોડી દિધું.

“મેં તને પહેલા કહ્યું કે કોઇપણ વસ્તુ, જોવાની બે રિત હોય છે..! પહેલી રિતે મેં તેમને જોયા ત્યારે મને તે ધાતકી અને ક્રુર લાગ્યા પણ જ્યારે મેં મારી નજર ફેરવી અને બીજી નજરે જોયાં, ત્યારે મને તેમના સારા કર્મો પણ દેખાયા..! એક વ્યક્તિ કોઇ સારા કર્મ કરવા માટે પણ જો ખોટા રસ્તા અપનાવે તો તે ખોટા રસ્તા અપનાવ્યાના બોજામાંથી મુક્ત થઈ શકતો નથી..! ગાંધારીજીનો શ્રાપ પણ એ જ વાતને સમર્થન આપે છે..! તેમના સો પુત્રોના મ્રુત્યુનું કારણ તે ક્રિષ્ન ભગવાનને જ માનતા હતાં..! એટલે તેમણે ક્રિષ્નને શ્રાપ આપ્યો કે જેમ મારા કુળનો સર્વનાશ થયો તેમ તારા કુળનો પણ સર્વનાશ થાય..! અને ભગવાને ત્યારે ‘તથાસ્તું’ કહી હાં પણ ભણી દિધી..! અને જેના કારણે યાદવસ્થળી થઈ..!” સુમન વચ્ચે કંઇક બોલવા જ જતી હતી, ત્યાં તેના પિતાએ તેને અટકાવી.

“તું એમજ પુછવા માંગે છે ને કે યાદવાસ્થળી શું છે અને ભગવાને કેમ તેના કુળનો સર્વનાશ થવા દિધો..?” તેના પિતાએ નેણ ઉંચા કરતા પુછ્યું. સુમન હસતા હસતા મોઢું હલાવ્યું. તે આગળની વાત સાંભળવા આતુંર હતી.

“જો, યાદવકુળ મહાન હતું અને ક્રિષ્નના કારણે તેની મહ્તા ઓર વધી ગઈ હતી. કિર્તી પચાવવી બધાના બસની વાત નથી હોતી..! યાદવોમાં ધંમંડ અને અહંકાર આવી ગયો. ક્રિષ્ન ભગવાન આ વાત જાણી ચુક્યા હતાં અને એટલે જ તેમણે એ વિનાશ થવા દિધો..! અને પોતાના જ કુળનો વિનાશ સામે જોયા પછી તેમને જીવવાનો મોહ પણ ના રહ્યો તે જંગલ તરફ એકલા ચાલવા લાગ્યા અને એક વ્રુક્ષ નીચે બેસી ગયાં, પગ પર પગ ચડાવીને..! અને એ સમયે એક જરા નામનો શિકારી એ બાજુંથી નીકળ્યો, તેને દુરથી લાગ્યું કે હરણ છે અને તેને દુર વ્રુક્ષ પાછળ છુપાઇને તીર છોડ્યું, જે તીરે ભગવાનનો પગ વિંધી નાખ્યો..! શિકારી જરાને જ્યારે ખબર પડી કે તેના હાથે કોઇ માનવને નુકશાન થયું છે, તો એ ગળગળો થઈ ભગવાનની માફી માંગવા લાગ્યો પણ ભગવાને તેને આશ્વાસન આપ્યું અને સમજાવ્યો કે તેને મન મેલું કરવાની જરૂર નથી..! તેમનો સમય હવે પુરો થયો છે અને તેમને તેમના પોતાના પહેલા જનમનું ઋણ પણ ચુકવવાનું બાકી હતું..! જે હવે ચુકવાઇ ગયું..! અને તે વેકુંઠ ધામ જતા રહ્યા..! અને આ એ જ જ્ગ્યા છે..! અને અત્યારે એ જગ્યાએ આ મંદિર ઉભું છે..! ભાલકા તિર્થ..!” સુમનના પિતાને લાગ્યુ કે વાત પુરી થઈ એટલે તેમણે હાશકારો ખાધો..!

“પણ પપ્પા, ભગવાનને તેમના ગયા જનમનું શું ઋણ ચુકવવાનું હતું.?” સુમને પોતાનો પ્રશ્ન શોધી જ લીધો.
“હા..! બરાબર પકડ્યો..! જો એમાં વાત એવી બની કે ક્રિષ્ન ભગવાનના પહેલાના અવતાર ભગવાન રામે, કિષકિંધાના રાજા વાલીને ચોરીછુપીથી માર્યો હતો..! અને એ વાલી જ આ અવતારે જરા બનીને ભગવાનનો જીવ લીધો..! અને હવે એ ના પુછતી કે વાલી કોણ હતો..? હું તેની વાત પછી કરીશ..! પહેલા આપણે મંદિરે દર્શન કરી લઈએ..!” કહેતા સુમનના પિતા તેને દિકરીનો હાથ પકડી મંદિર તરફ ચલવા લાગ્યા.