અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?

અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.

અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસંતોષ છે શું અને તેનું જીવનમાં શું મહત્વ છે..! તો પહેલા એ સમજીએ કે આ અસંતોષ કેટલા પ્રકારનો અથવા કંઇ બાબતનો હોઇ શકે..? ઓછા પગારનો અસંતોષ, સારા મિત્રો અથવા સારું ફેમીલી ના મળ્યાનો અસંતોષ, સારી જોબ ના મળી એનો અસંતોષ, પ્રેમીકા ના મળી તેનો અસંતોષ, ગરીબ હોવાનો અસંતોષ, પ્રખ્યાત ના હોવાનો અસંતોષ, વગેરે વગેરે.

“કોઇપણ વસ્તુ બધા માટે નથી હોતી અને બધા માટે કોઇને કોઇ વસ્તું જરૂર હોય છે..!” આ વાત સમજવી અને તેને પચાવવી ખુબજ અઘરી છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિથી ઇર્ષા થાય એ સામાન્ય વસ્તુ છે, કારણ કે તેની પાસે જે છે એના કરતા બીજા પાસે જે છે એ વસ્તુ કે વ્યક્તિ મેળવવાની તાલાવેલી તેનામાં હંમેશા વધારે હોય છે. હું આને આકર્ષણ કહીશ..! અને આ આકર્ષણ કદાચ જીવન જીવવાનો મકસદ પુરો પાડે છે અને અસંતોષનું મુખ્ય પણ કારણ છે.

આ આકર્ષણને આપણે શબ્દકોષમાં જોવા જઈશું તો બે પ્રકારના અર્થ મળશે. “ઇર્ષા અને પ્રેરણા” ચોંકવાની જરૂર નથી. પ્રેરણા અને ઇર્ષા બન્ને સિક્કાની બે બાજું જેવા છે. હકારાત્મક અભીગમવાળા અથવા બુદ્ધીજીવીઓ માટે જે પ્રેરણા છે એ જ નકારાત્મક અને નિરાશાવાદી લોકો માટે ઇર્ષા છે. એટલે અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે અહી મુદ્દો ઇર્ષા કે પ્રેરણાનો નથી મુદ્દો તમારા અભીગમનો છે.

એક ઉદાહરણમાં સમજીએ તો, એક ઓફિસમાં 30 લોકો કામ કરતા હોય અને તેમાથી એક જ વ્યક્તિને એવોર્ડ અપાય, ત્યારે બાકીના 29 લોકોની વીચારસરણીનો અંદાજ આપણે કાઢવા જઈએ તો મુખ્ય ચાર પ્રકારની વિચારસરણીવાળા લોકો મળશે..! પહેલા જે એવા હશે જે કહેશે કે આ બોસનો માનીતો હતો એટલે તેને આ એવોર્ડ મળ્યો. બીજા કહેશે કે સાહેબે એવી જ કંઇક વ્યવસ્થા કરી છે કે બધાને એવોર્ડ મળવો જોઇએ એટલે તો છેલ્લા પાંચ મહીનામાં એક પણ એવોર્ડ કોઇને રીપીટ નથી થયો. આપણો પણ વારો આવશે..! ત્રીજા પ્રકારના લોકો કહેશે હું આવતા મહિને આનાથી વધુ મહેનત કરીશ, પણ હવેનો એવોર્ડ તો હું જ લઈ જઈશ..! અને ચોથો વર્ગ એવો હશે જે કહેશે કે અમે ગમે તેટલી મહેનત કરીએ પણ અમને કશું જ મળતું નથી.

ઉપરના ઉદાહરણમાં આપણને ચાર પ્રકારની વિચારસરણીના લોકો જોવા મળે છે. પહેલા ઇર્ષા પ્રધાન અથવા નકારાત્મક અભીગમવાળા, બીજા આળસું અભીગમવાળા, ત્રીજા આશાવાદી અને હકારાત્મક અભીગમવાળા અને ચોથા નીરાશાવાદી..!

જે લોકો આળસું હશે તેમને ચર્ચામાં બહું રસ હોતો નથી કારણ કે બોલવામાં અને વિચારવામાં મહેનત પડે એટલે તે બધી વાતો શાંતીથી સાંભળે છે, જ્યારે હકારાત્મક અભીગમવાળા લોકોને ખોટી ચર્ચા અને પંચાતમાં બહું રસ પડતો નથી એટલે તે કોઇ ચર્ચ સાંભળતા પણ નથી અને આવી ચર્ચામાં ભાગ પણ લેતા નથી. નિરાશાવાદી લોકોને પણ જ્યાં સુધી પુંછવામાં ના આવે ત્યાં સુધી પોતાનો બળાપો કાઢવામાં માનતા નથી..! પણ ઇર્ષાળું અથવા નકારાત્મક અભીગમવાળા લોકો માર્કેટમાં પોતાના વિચારોનો પ્રચાર કરવા તરત નીકળી પડશે..!

અહીં સમજવા જેવી બાબત એ બનશે કે મોટાભાગના લોકો નકારત્મક વાત જ વધારે સાંભળશે.! અને એક જ વાત સંભળાતી હોવાથી આળસું અભીગમવાળા લોકો વિચારવામાં વધારે સમય નહી બગાડે અને બોસની સાંઠગાંઠ વાળી વાત માની લેશે, જ્યારે નિરાશાવાદી લોકો માટે તો આ ડુબતાને સહારા જેવી વાત થઈ પડશે કે પોતાને એવોર્ડ ના મળ્યો એમાં પોતાનો કોઇ વાંક જ નોતો, પણ બોસે તેને દગો આપેલો હતો..!! છેલ્લા રહ્યા હકારાત્મહ અભીગમવાળા અથવા આશાવાદી લોકો જેમને આવી વાતોમાં ખાંસ કઈ રસ નથી હોતો, એ લોકો બીજાની લીટી નાની કરવા કરતા પોતાની લીટી મોટી કરવામાં વધું માનતા હોય છે..!

એ એક વર્ગને બાદ કરતા બહુમતી લોકો માટે એવોર્ડ જીતેલી વ્યક્તિ ઇર્ષાનું કારણ બની જતો હોય છે..! અને ઇર્ષાના ભાગરૂપે એ વ્યક્તિ સાથે ઘણુંબધું થાય છે, જેમકે તેની અવગણના થવી, નાની નાની બાબતોમાં તેની નીંદા થવી, બધાની નફરતનું કારણ બની જવું, તેને શકની નજરે જોવો વગેરે વગેરે પણ જેમણે એ વ્યક્તિ પાસેથી પ્રેરણા લીધી હશે, તેમને કદાચ એવોર્ડ ભલે ના મળે પણ, તેમના કામમાં સુધારો આવ્યો હશે, જે વર્ષના અંતે તેમના પ્રમોશન અને પગારવધારાને જરૂર અસર કરશે..! જીવનના મોટાભાગના કિસ્સાઓમાં પણ આવું જ કંઇક બનતું હોય છે.

અહી જે લોકો આળસું, નિરાશાવાદી અને નકારત્મક અભીગમવાળા છે તેમને ઇર્ષા જીવનમાં પાછળ ધકેલવાનું કામ કરશે જ્યારે આશાવાદી અને હકારત્મકલોકોને એ ઇર્ષાનો હકારાત્મક પર્યાય “પ્રેરણા” જીવન જીવવાનું બળ આપશે.

પણ આ બધા પાછળનું મુખ્ય કારણ તો અસંતોષ જ છે, કે “મારા કર્મના બદલામાં મને જે મળ્યું તે ઓછું છે”. હવે અહીં તમને જે ઓછું મળ્યું છે અથવા નથી મળ્યું તે મેળવવા માટેનો  જે તમારો અભીગમ અથવા તમારી વિચારસરણી હશે એ જે નક્કી કરશે કે તમે જીવનમાં આગળ જશો કે પાછળ..!

જેમ “જરૂરીયાત એ ખોજની માતા છે.!” એમજ “અસંતોષ એ જીવન જીવવાનું ચાલકબળ છે..!” ઇર્ષા અને પ્રેરણાએ માત્ર તમારા અભિગમને દર્શાવતા અથવા ઓળખાવતા માત્ર શબ્દો જ છે. પણ તમારા જીવનનું ચાલકબળ તો અસંતોષ જ છે..!

કારણ કે જે લોકો સંતોષી છે, તેમને ન તો કંઇ મેળવવાની પડી છે કે ના કંઇ ગુમાવવાની…!! બસ તે પોતાના નીજાનંદમાં ખોવાયેલા હોય છે. સામાન્ય સમજણવાળા લોકોની ભાષામાં તે લોકો ગાંડાં હોય છે. આવા લોકોનું જીવન હમેશા એક જ ગતીએ આગળ વધતું હોય છે, એટલે તેમને જીવનના ચાલકબળ ખાસ જરૂર જણાતી નથી.

પણ એવા લોકો જેમને પોતાની પાસે જે છે, અથવા જે મળી રહ્યું છે, તેનાથી સંતોષ નથી. એવા લોકો ઘટતી વસ્તુ અથવા જરૂરીયાત પુરી કરવા પોત-પોતાના રસ્તા પકડશે, અને એ રસ્તાઓ જેને હું જીવન જીવવાનો અભીગમ કહું છું એ જ નક્કી કરશે એ વ્યક્તિ સમર્થ છે કે અસમર્થ…!

જેમકે મહેનતું અને સમર્થ લોકો ચર્ચામાં પડ્યા વગર પોતાના કામમાં ધ્યાન આપશે અને પોતાને પહેલા એ વસ્તુ કે વ્યક્તિને લાયક બનાવશે જ્યારે આળસું, અસમર્થ લોકો માત્ર ચર્ચામાં પડશે કે એ લોકો લાયક છે, છતાં તેમને એ વસ્તું નથી મળી અથવા જે લાયક નથી એવા લોકોને જ આવી વસ્તું કેમ મળે છે..?? અથવા એ લોકો ગેરકાયદેસર રિતે અમારો હક્ક છીનવી ગયાં…! પણ કદી ફરીયાદ કર્યા વગર એ વસ્તું કે વ્યક્તિને લાયક થવાની કોશીશ નહી કરે..! અને સમાજના બીજા લોકોને પણ પોતાના તરફ ભેળવવાનો પ્રયત્ન કરશે..! ઇર્ષા જેવું દુષણ બીજાના કાનમાં પુરશે..!

અંતમાં હું એટલું કહીશ કે અસંતોષ હોવો જરૂરી છે, પણ એ અસંતોષને તમારા જીવનમાં કેવા અભીગમ સાથે લો છો એ જોવું વધારે જરૂરી છે..!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *